અંતે વિચારોની માયાજાળમાં ફસાતી ફસાતી બંસી મોડી રાંતે ઉંઘી ગઈ. તેને અનેક સપના આવ્યા. ન સમજાય તેવા સપના પણ આવ્યા. સવારે સવા પાંચે બંસીની ઉંઘ ઉડી. થોડી આળસ ખંખેરી તે બેઠી થઈ. પથારીમાં બેઠા બેઠા જ તેણે તેના જમણા હાથની હથેળી ખુલ્લી રાખી. આંખોની સામે ધરી મનોમન દર્શન કર્યા. મનમાં ને મનમાં મોઢે થઈ ગયેલ સ્તુતિ વંદના કરી:
“કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ્‌.” બાપુ કહેતાઃ ‘‘ હાથના આગળના ભાગમાં એટલે કે હથેળીમાં લક્ષ્મીનો નિવાસ છે. ઉઠતાવેંત દર્શન અવશ્ય કરવા જાઈએ. સારા કે ખરાબ કાર્યો થાય છે તે હાથથી જ થાય છે. આ હાથ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે. વળી કર્મનું પ્રતીક હાથ જ છે……..’’
ઉઠતાવેંત બંસીને આ યાદ આવતા જ તે પ્રથમ હાથના દર્શન કરી પછી જ પથારી છોડતી, ને બીજા કામે લાગી જતી. આમ….બંસી ઘરકામમાં મંડાઈ પડી. અગિયાર વાગે તે રસોઈમાં લાગી. આ કામ કરતા કરતા અચાનક તેને યાદ આવ્યુ ઃ ખેતરના ભાગિયા પસાભાઈને હજાર રૂપિયાની જરૂર હતી….. એ બાપુને કહેવાનું ભૂલાઈ ગયેલુ. આ યાદ આવતાની સાથે જ બંસીએ રસોઈનું કામ પડતુ મૂકયું ને ચાલી સીધી જ બાપુના ઓરડા તરફ. બાપુનો ઓરડો ખુલ્લો જ હતો. મોટા ઢોલિયા પર બેસી તેઓ કોઈ મોટુ પુસ્તક વાંચી રહ્યા હતા. દાખલ થતા જ બંસી બોલીઃ ‘‘શું કરો છો?’’
‘‘વાંચુ છુ…થોડુ અધ્યયન સારુ ……..નવરા ન બેસાય. અરે..! તુ કેમ આવી? કંઈ કામ છે….? બાપુએ પૂછયુ.
‘‘હા, એટલે તો આવી છું. બે-ત્રણ દિવસ પહેલા પસાભાઈએ મને કીધેલુ પણ…. હું ભૂલી ગઈ. બાપુ…., પસાભાઈને હજાર રૂપિયા જાઈએ છે. અત્યારે મને યાદ આવતા દોડી આવી……’’ બંસી બોલી.
‘‘સારુ, એને કંઈ દવા-બવા લેવી હશે. ભાગીદાર છે તે કંઈ થોડી ના પડાય. એ સામે મારી બંડી છે તે લાવ……’’ આંગળી ચીંધી બંડી લાવવા દાદાએ બંસીને કહ્યું. બંસીએ ખીંટીએ ટીંગાડેલ બંડી દાદાને આપી. દાદાએ બંડીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી ગણીને બંસીના હાથમાં આપતા કહ્યુઃ
‘‘બેટા…આ હજાર રૂપિયા. તું તેને આપી દેજે…..’’
‘‘જમ્યા પછી હું આમેય નવરી જ હોઉ છું. રૂપિયા આપતી આવીશ ને ખેતર જાતી આવીશ…….’’ “પસાના ખબર અંતર પૂછજે. કંઈ બીમાર તો નથી ને…..?’’
‘‘હા બાપુ, હવે હું રસોઈ કરવા જાઉ છું. થોડીવારમાં રસોઈ થઈ જશે.’’ એટલું બોલી બંસી બાપુના ઓરડામાંથી બહાર નીકળી, લાંબી ઓસરીમાં થઈ સીધી જ રસોડામાં દાખલ થઈ. (ક્રમશઃ)