લીલીયાના અંટાળીયામાં કોંગ્રેસે જાહેર સભા રાખી હતી. અંટાળીયા મહાદેવના સાનિધ્યમાં પ્રતાપ દુધાતનો મહાદેવનો થાળ રાખવામાં આવ્‍યો હતો. આ તકે જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યું, ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ સાથે સરખામણી કરી રહૃા છે તે કેટલા અંશે વાજબી છે? ભાજપના મિત્રો તંદુરસ્‍ત રાજકારણ કરો કાર્યકરોને દબાવવાની વાત ન કરો. આ તકે લીલીયા રેલવેના ફાટક પર ઓવરબ્રીજની જે માંગણી છે તેને હું ૧૦૦ % ન્‍યાય આપીશ. આ પ્રસંગે પ્રતાપ દુધાત ફરી આક્રમક અંદાજમાં જાવા મળ્‍યા હતા. પ્રતાપ દુધાતે જણાવ્‍યુ હતું કે મારા કાર્યકરો અને કોંગ્રેસ સમર્થકોને ફોન દ્વારા ધમકી આપતા લોકો મારી સાથે વાત કરે, મારા કાર્યકરને દબાવવાની કોશિશ ન કરે. પ્રતાપ દુધાત જીવે છે ત્‍યાં સુધી મારા કાર્યકરોનો વાળ વાંકો નહી થવા દઉં. આ પ્રસંગે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્‍મરે વેકસીન પ્રશ્ને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સારૂ થયુ આ લોકો પોલીયોની રસી સમયે ન હતા નહિતર અડધુ ભારત વિકલાંગ હોત. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર બગસરા- ધારી-ચલાલાના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસે હતા ત્‍યારે લોકોના આશીર્વાદ મેળવતા જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતું કે આ વિસ્‍તારના ખેડૂતો ખુબ મહેનતુ છે ત્‍યારે ખેડૂતોને ખેતી કરવી મોંઘી થઈ છે ત્‍યારે ખેડૂતોને પુરતી ઉપજના ભાવો મળતા નથી. રત્‍નકલાકારો મંદિના કારણે પુરતી રોજગારી મેળવી શકતા નથી. આંગણવાડી, હેલ્‍થ વર્કર બહેનોને કામના પ્રમાણમાં પુરતો પગાર મળતો નથી. હોમગાર્ડના જવાનોને રૂ.૭૦૦ અને જી.આર.ડી.ના જવાનને દૈનિક રૂ.પ૦૦ તેમજ વિધવા અને વૃધ્ધ પેન્‍શન સહાય રૂ. રપ૦૦ કરવામાં આવે તેવી રાજય સરકાર પાસે અમારી માંગણી છે. આ વિસ્‍તારના કેરીનો પાક લેતા ખેડૂતોને વિમાથી સુરક્ષીત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધારી-બગસરા-ચલાલા વિસ્‍તારમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્‍થળો આવેલા છે ત્‍યારે અહીંયા પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તેમ છે. પશુપાલકોને પુરતું પ્રોત્‍સાહન મળે અને પશુપાલનને વેગ મળે તો આ વિસ્‍તારમાં બહેનોને રોજગારી મળી શકે. આ વિસ્‍તારમાં પુરતી શૈક્ષણિક સંસ્‍થાઓ નથી ત્‍યારે ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓ આ વિસ્‍તારમાં ખુલે તેવી અમારી માંગણી છે. અને સાથે સાથે આરોગ્‍યની દૃષ્‍ટીએ અહીંના આરોગ્‍ય કેન્‍દ્રમાં પુરતો સ્‍ટાફ ભરાય અને આધુનિક મશીનરી આવે તેવા અમારા પ્રયાસો રહેશે. વન્‍ય પ્રાણીઓની રંજાડ સામે વન વિભાગ પુરતી સુરક્ષા પુરી પાડે અને જંગલ વિસ્‍તારની બોર્ડરના ગામોમાં તાલીમી સ્‍ટાફની કાયમી નિમણૂક આપે જેથી વન્‍ય પ્રાણી અને લોકો બન્‍નેને સુરક્ષા મળી શકે તેવા અમારા પ્રયાસો રહેશે.

અમરેલીમાં આજે મુકુલ વાસનીકની જાહેર સભા
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમરેલી શહેર ખાતે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનીકની જાહેર સભા આજરોજ સાંજના ૭ કલાકે ડો. જીવરાજ મહેતા ચોકમાં રાખવામાં આવી છે.