અંજાર તાલુકાના સતાપર નજીક ગુરૂવારે બપોરે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે બાઇક અને એક ક્રેટા કાર સામસામે અથડાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારે ઓવરટેક કરવા જતાં સામે આવતી બે બાઈકને ઉલાળી હતી. આ ઘટનામાં માતા-પુત્રનાં કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે એક દસ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. સતાપર ધોરીમાર્ગ પર માધવ રેસિડેન્સી પાસે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ક્રેટા કારના ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સામેથી આવતી બે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટપ્પર ગામના ગોસ્વામી સમાજના શરદગિરિ મહેશગિરિ ગોસ્વામી (ઉં.વ.૩૦) અને તેમનાં માતા સાવિત્રીબેન મહેશગિરિ ગોસ્વામી (ઉં.વ.૫૫)નાં ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયા હતા, સાથે બાઇક પર સવાર દસ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.










































