અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા એક તળાવમાં ન્હાવા પડેલા ૫ બાળકો ડૂબી જવાની કરુણ ઘટના બની છે. હિંગોળજા વાંઢના આ બાળકો ભેંસોને તળાવમાં નવડાવવા ગયા હતા અને ત્યારબાદ પોતે પણ ન્હાવા પડ્યા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી અને તળાવ પાસે પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ અંજાર પ્રાંત અધિકારી એસ. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉદય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી. સંયુક્ત ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
મોડી સાંજ સુધી ચાલેલી શોધખોળ દરમિયાન ૪ બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧ બાળકની શોધખોળ અત્યાર સુધી ચાલુ છે.
હિંગોરજા વાંઢના સ્થાનિક જુમાં હિંગોરજાએ આ દુઃખદ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બપોરના ભોજન બાદ વાંઢથી દૂર ભવાનીપુર પાસેના તળાવમાં તેમના માલધારી પરિવારના પાંચ બાળકો ભેંસોને નવડાવવા ગયા હતા. આ દરમિયાન તેઓ પણ તળાવમાં ન્હાવા પડ્યા અને કમનસીબે એક પછી એક બધા ડૂબવા લાગ્યા.
આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દુધઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત છે.મૃત્યુ પામેલા બાળકોની ઉંમર આશરે ૫ થી ૧૩ વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી બાળકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.