અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી રૂ. ૧.૮૫ લાખ ઉપરાંતના દારૂ- બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય એકને ફરાર જાહેર કર્યો હતો.ગઈકાલે સાંજે અંકલેશ્વરના નવાદીવા ગામથી જૂનીદીવી ગામ તરફના માર્ગ ઉપર કિશન મના વસાવા એ દારૂનો જથ્થો ભરેલી કાર સંતાડી હોવાની બાતમી અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા પાર્ક ઇકો કાર મળી આવી હતી. તેમજ કારની નજીક એક શખ્સ પાસેથી કારની ચાવી મળી આવી હતી. તલાશી લેતા કારની વચ્ચેના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલ શખ્સ રાજુ ચંદુભાઈ ભાભોર (રહે- મંગલમૂર્તિ સોસાયટી નજીક ઝુપડપટ્ટીમાં, દીવારોડ ) એ કબુલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો ભરેલી કાર કિશન વસાવા લઈ આવ્યો છે. મને કારની દેખરેખ માટે જણાવ્યું હતું. પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂ. ૧,૬૪,૪૦૦ ની કિંમત ધરાવતી ૭૨૦ બોટલો , રૂ. ૨૦,૮૮૦ના કિંમતના બિયરના ૯૬ ટીન તથા કાર મળી કુલ રૂ. ૪,૮૫,૨૮૦નો મુદ્દામાલ કબજે કરી  કિશન વસાવાને ફરાર જાહેર કર્યો હતો.